57
સંકટ સમયે વિનંતી
મુખ્ય ગવૈયાને માટે; રાગ આલ તાશ્ખેથ. દાઉદનું મિખ્તામ. તે શાઉલથી નાસી જઈ ગુફામાં રહેતો તે વખતનું.
1 હે ઈશ્વર, મારા પર દયા કરો, મારા પર દયા કરો,
કેમ કે મારો આત્મા તમારા પર ભરોસો રાખે છે
જ્યાં સુધી આ વિપત્તિઓ થઈ રહે.
2 હું પરાત્પર ઈશ્વરને પ્રાર્થના કરીશ,
ઈશ્વર જે મારું પૂરું કરનાર છે, તેમની હું પ્રાર્થના કરીશ.
3 જ્યારે માણસ મને ગળી જવા ચાહે છે, તે મારી નિંદા કરે છે,
ત્યારે ઈશ્વર આકાશમાંથી સહાય મોકલીને મને બચાવશે;
સેલાહ
તે પોતાનાં કરારનું વિશ્વાસુપણું અને તેની સત્યતા ને મારા પર મોકલશે.
4 મારો આત્મા સિંહોની મધ્યે છે* 57:4 મારો આત્મા ઈર્ષ્યાળુ લોકો મધ્યે છે;
અગ્નિથી સળગેલા સાથે મારે સૂઈ રહેવું પડે છે,
માણસોના દીકરાઓ, જેઓના દાંત ભાલા તથા બાણ જેવા છે
અને તેઓની જીભ તીક્ષ્ણ તલવાર જેવી છે.
5 હે ઈશ્વર, તમે આકાશો કરતાં ઊંચા મનાઓ;
તમારો મહિમા આખી પૃથ્વી કરતાં મોટો થાઓ.
6 તેઓએ મારા પગને સારુ જાળ બિછાવી છે;
મારો આત્મા નમી ગયો છે;
તેઓએ મારી આગળ ખાડો ખોદ્યો છે,
પણ તેઓ પોતે જ તેમાં પડી ગયા છે.
સેલાહ
7 હે ઈશ્વર, મારું હૃદય સ્થિર છે, મારું હૃદય સ્થિર છે;
હું ગાયન કરીશ, હા, હું સ્તોત્રો ગાઈશ.
8 હે મારા આત્મા; મારી વીણા અને તંબુરા; તમે જાગો;
હું તો પ્રભાતમાં વહેલો ઊઠીશ.
9 હે પ્રભુ, હું લોકોમાં તમારી આભારસ્તુતિ કરીશ;
વિદેશીઓમાં હું તમારાં સ્તોત્ર ગાઈશ.
10 કેમ કે તમારી કૃપા સ્વર્ગ કરતાં મોટી છે
અને તમારી સત્યતા આકાશમાં પહોંચે છે.
11 હે ઈશ્વર, તમે સ્વર્ગ કરતાં ઊંચા મનાઓ;
આખી પૃથ્વી કરતાં તમારો મહિમા મોટો થાઓ.